શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કર્યો હતો. ફ્રુટીના બોક્સની આડમાં છુપાવી વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂ ભરેલી ટ્રક સહિત 52.49 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો અનુસાર દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં સઘન વાહન ચેકિંગ તેમજ રાજસ્થાન બોર્ડર તરફ્થી આવતા આંતરિયાળ માર્ગો પર નાકાબંધી ગોઠવવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ અને પીએસઆઈ એન.બી. ચૌધરી સહિતનો સ્ટાફ્ અનસોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલને બાતમી મળી હતી કે, અશોક લેલેન્ડ કંપનીની ટ્રક નંબર યુ. કે . 07.સી.બી.3856માં ફ્રુટીના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે અને આ ટ્રક અણસોલ ચેકપોસ્ટ પરથી પસાર થઈ અમદાવાદ તરફ્ જવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટ્રકને રોકી તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રકની તપાસ કરતાં ફ્રુટીના બોક્સની આડમાં છુપાવેલી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 353 પેટી મળી આવી હતી. જેમાં 10356 બોટલ-ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કિંમત 37.14 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રક ચાલક ઇલ્તાફ્ સ/ઓ સબ્બીર ઇશાકઅલી જાતે ફ્કીર,રહે. વિકાસનગર, ઉત્તરાખંડની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ ઉપરાંત 15 લાખની ટ્રક, મોબાઇલ ફોન તેમજ ટ્રકમાં ભરેલા હિમવેલી જીરા અને હિમવેલી મેંગો ફ્રુટીના 150 બોક્સ સહિત 52.49 લાખનો કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં દારૂ ભરાવી પાયલોટિંગ કરનાર અજાણ્યા સ્વિફ્ટ કારના ચાલક તથા તેની સાથે રહેલા અન્ય એક અજાણ્યા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના બુટલેગરની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
