મોકડ્રીલ અંતર્ગત સવારે 11:09 કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માઝુમ ડેમમાં એક વ્યક્તિ ડૂબી રહી હોવાનો સંદેશ પ્રાપ્ત થતાં જ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક મોડાસા નગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી બચાવ સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી રહેલી વ્યક્તિનું સફ્ળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત બહાર કાઢી હતી. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી વ્યક્તિની આરોગ્ય સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ ઘટના પૂર્વનિયોજિત મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલન, માહિતીના ઝડપી આદાન-પ્રદાન, બચાવ કામગીરીની કાર્યક્ષમતા, ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા તેમજ ઉપલબ્ધ માનવબળ અને સાધનોની સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સમયાંતરે આવી મોકડ્રીલો યોજાઈ છે.
