મોડાસા ટાઉન પોલીસ મથકની ટીમે બાતમીના આધારે બાગેનિશાદ સોસાયટી વિસ્તારમાં દરોડો પાડીને ખુલ્લી જગ્યાએ પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, વાહનો, મોબાઇલ ફોન મળી પાંચ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રેઇડ કરતાં 10 આરોપીઓ નાસી છૂટયા હતા. તેમની શોધખોળ આદરી છે. અરવલ્લી જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે એસપીએ ભારે ધોંસ બોલાવી છે. ત્યારે મોડાસા ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે બાગેનિશાદ સોસાયટી ખાતે એક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. પોલીસે આ બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરી હતી. સ્થળ પરથી આરોપીઓ મોહસીનખાન આબીદખાન પઠાણ (રહે. ધોબીઢાળ, મોડાસા, જિ. અરવલ્લી), ફારૂક યુસુફ્મીયાં ચૌહાણ, નાજીમ રફીક શેખ (બંન્ને રહે. ઈન્દીરાનગર કસ્બા, પહાડપુર રોડ, મોડાસા, જિ. અરવલ્લી)ને ઝડપી લીધા હતા. સ્થળ પરથી મળી આવેલા બાઈક અને એક્ટિવા સહિત 6 વાહનો, 3 મોબાઇલ ફોન અને આરોપીઓ પાસેથી મળી આવેલી રોકડ રકમ રૂ.17,350 સહિત કુલ રૂ.5,07,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 13 શખ્સો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો