શામળાજીઃ અરવલ્લી જિલ્લામાં હાલ ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, જેના પગલે અહીંની કુદરતી સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદના આગમનથી સમગ્ર પંથક લીલાછમ જંગલો અને ટેકરીઓથી આચ્છાદિત થઈ ગયો છે, જે એક અદ્દભૂત નજારાનું સર્જન કરે છે. હાઇવે પરથી પસાર થતા વાહનો પણ આ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પ્રકૃતિના આ મનોહર દ્રશ્યને નિહાળવા માટે લોકોમાં પણ ઉત્તેજના જોવા મળી રહી છે.લીલાછમ વનરાજી, વાદળોની મૃદુ છાયા સાથે આ પર્વતમાળા કુદરતી સૌંદર્યનો અનોખો ખજાનો બની જાય છે.શાંત વાતાવરણ અને નયનાભિરામ દૃશ્યો પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. વરસાદની બૂંદો સાથે અરવલ્લીનું આ સ્વર્ગીય રૂપ જોઈ લોકો જાણે મીની કાશ્મિર જેવા વાતાવરણનો અનુભવ કરે છે.
