મોડાસા ટાઉન પોલીસે રાણાસૈયદ દરગાહ પાછળ જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે તેમની પાસેથી રોકડ અને બાઇક મળી કુલ રૂ.26500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોડાસા ટાઉન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાણાસૈયદ ખાતે દરગાહની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડયો હતો. ત્યાં કેટલાક ઇસમો પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે કોર્ડન કરીને ત્રણ ઇસમોને સ્થળ પર જ ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સબ્બીર ઇમામખાન મુલતાની, સરફરાજ ઉમરભાઇ મુલતાની, સદ્દામ હુસેનભાઇ મુલતાની (તમામ રહે. રાણાસૈયદ તા. મોડાસા, જિ. અરવલ્લી)નો સમાવેશ થાય છે. જ્યારે એક આરોપી આદીલ હમીદભાઇ શેખ (રહે. નવી વસાહત, રાણાસૈયદ, તા. મોડાસા, જિ. અરવલ્લી) નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 26,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રોકડા રૂ.11,500 અને બાઈક રૂ. 15 હજારનો સમાવેશ થાય છે. મોડાસા ટાઉન પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
