હળવદ તાલુકાના ટીકર ગામે તાજેતરમાં થયેલી લાખોની ચોરીની ઘટનામાં હળવદ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. અગરિયા પરિવારના બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ટીકર ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ટીકર ગામના રહેવાસી અને વ્યવસાથે અગરિયા એવા સુરેશભાઈ મકવાણાના ઘરે ગત 6 ફેબ્રુઆરીના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલા આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીના સહિત કુલ રૂ. 3.94 લાખની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
પોલીસ તપાસ અને ધરપકડ
આ મામલે ફરિયાદી દ્વારા 11 ફેબ્રુઆરીના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ હળવદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોરીમાં ગામના જ શખ્સની સંડોવણી હોવાની શંકા ગઈ હતી.12 ફેબ્રુઆરીના રોજ પોલીસે ટીકર ગામના જ વતની વિશાલ ખાંભડીયાની અટકાયત કરી હતી. કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી ગયેલો તમામ મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી