મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે ગત 4 માર્ચના રોજ એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જમવાના પૈસા ચૂકવવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી મિત્રો વચ્ચેની માથાકૂટ એટલી હદે વધી ગઈ કે તેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
મિત્રો વચ્ચેની માથાકૂટમાં હત્યા
મૃતક ભરત ઉર્ફે જેડી (ઉં.વ. 33) નો તેના મિત્રો પ્રદીપ અને ગોપાલ સાથે જમવાના પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો. આ બોલાચાલી દરમિયાન મામલો ગરમાયો અને આરોપીઓએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ગોપાલે મૃતક ભરતના ખભા પર નળિયા વડે ઘા કર્યો હતો, જ્યારે પ્રદીપે તીક્ષ્ણ ટાઇલ્સનો ઘા સીધો ભરતના પેટના ભાગે માર્યો હતો.
સારવાર દરમિયાન મોત
ગંભીર રીતે ઘાયલ થયેલા ભરતને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. મૃત્યુના સમાચાર મળતા જ આ બનાવ હત્યાના કેસમાં પલટાઈ ગયો હતો.
પોલીસ કાર્યવાહી
મૃતકની માતા દયાબેને મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પ્રદીપ અને ગોપાલ વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Rajkot: પરિણીતાના પ્રેમમાં યુવાને જીવ ગુમાવ્યો, પતિ અચાનક આવી જતાં ભાગતી વખતે પાઈપલાઈનથી પટકાયો