મોરબી શહેરમાં વ્યાજખોરીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધંધાકીય જરૂરિયાત માટે લીધેલા માત્ર 11 લાખ રૂપિયાના બદલે વ્યાજખોરોએ 2.43 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આટલી માતબર રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નથી અને ફરિયાદીને પાયમાલ કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે.
મોરબીમાં વ્યાજખોરોનો આતંક
ફરિયાદી સુરેશભાઈ ભાડજાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે રમેશ ભાલોડીયા અને અશ્વિન ભાલોડીયા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2023માં સુરેશભાઈને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઊભી થતા તેમણે આ બંને શખ્સો પાસેથી 11 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ પૈસા પર અઠવાડિયે અને મહિને 5 ટકા જેવું તોતિંગ વ્યાજ વસૂલવામાં આવતું હતું.










