મોરબી તાલુકાના જેતપર ગામમાંથી ખેડૂતોના આક્રોશ અને પોલીસ પ્રશાસન વચ્ચેના ગંભીર ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. ગામમાં ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલ (ટાસ્ક લાઈન) ની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શને આજે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કંપનીનું કામ અટકાવવા માટે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ કાફલા અને ખેડૂતો વચ્ચે ઘટનાસ્થળે ભારે ખેંચતાણ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.


ખોટી રીતે કામગીરી થતી હોવાનો આક્ષેપ

સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની આ સમગ્ર કામગીરી નિયમો વિરુદ્ધ અને ખોટી રીતે કરવામાં આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન પહોંચશે. અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા બળજબરીથી કામ ચાલુ રખાતા આજે ખેડૂતો આક્રમક બન્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસે વિરોધ કરી રહેલા અને કામ અટકાવવાનો પ્રયાસ કરી રહેલા જગતના તાત સામે આકરો અભિગમ અપનાવ્યો હતો. પોલીસે અગમચેતીના ભાગરૂપે પ્રદર્શન કરી રહેલા અગ્રણી ખેડૂતોની અટકાયત (ડિટેઈન) કરવાનું શરૂ કર્યું હતું.

ખેડૂતોને ડિટેઈન કરી પોલીસ સ્ટેશન ખસેડાતા તણાવ વધ્યો

પોલીસ તંત્ર દ્વારા વિરોધ કરી રહેલા તમામ ખેડૂતોને બળપૂર્વક ડિટેઈન કરીને પોલીસ વાનમાં ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર જેતપર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના અધિકારો અને જમીનની સુરક્ષા માટે શરૂ થયેલો આ શાંતિપૂર્ણ વિરોધ હવે પોલીસિયા દમનને કારણે વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગ્રામ્ય પંથકમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: