મોરબી જિલ્લામાં માળિયા-પીપળિયા નેશનલ હાઇવે માટે જસાપર ગામ પાસેથી નવો બાયપાસ કાઢવા જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થતાં જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રસ્તાવિત બાયપાસથી જસાપરના અનેક નાના અને સીમાંત ખેડૂતો પાયમાલ થઈ જાય તેમ હોવાથી ગુરુવારે મોરબી ખાતે બાયપાસના વિરોધમાં એક ભવ્ય 'ખેડૂત આક્રોશ રેલી' યોજાઈ હતી. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ બાયપાસ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પ્રાંત અધિકારી તથા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા મોટીબરાર ગામ પાસે આવેલા વળાંકને ટાળવા માટે આ નવો રોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. જોકે, ખેડૂતોનો દાવો છે કે પીપળિયા ચાર રસ્તાથી માળિયા સુધીનો જૂનો હાઇવે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને તેના નવીનીકરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેમજ ખેડૂતોને તેના કપાતનું આંશિક વળતર જુલાઈ 2022ના રોજ ચૂકવાઈ પણ ગયું છે. હાલની જમીન સંપાદન અને નવા બનવા જઈ રહેલા રોડ વચ્ચેનું અંતર અંદાજિત 1 કિલોમીટરથી પણ ઓછું હોવાથી કુલ લંબાઈમાં માત્ર નજીવો જ ફેરફાર થાય છે. જૂના રોડ માટે મોટું ચૂકવણું થઈ ગયું હોવા છતાં આ નવો બાયપાસ કાઢવાનો કોઈ તર્કસંગત અર્થ સરતો નથી. વધુમાં, ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નવા બાયપાસને કારણે 15 ખેડૂતોની આશરે 101 વીઘા જેટલી કિંમતી અને ફ્ળદ્રુપ જમીન કપાતમાં જશે. અમુક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે સંપાદિત થઈ જશે, જ્યારે બાકીના ખેડૂતોની વધેલી થોડી-ઘણી જમીન ખેતી માટે બિન-ઉપયોગી બની જશે. આ રોડ બનવાથી ચોમાસામાં પાણીનો ભરાવો થશે, જેના કારણે આસપાસની 1500 વીઘાથી વધુ ખેતીલાયક જમીન કાયમી ધોરણે ડૂબ વિસ્તારમાં જવાની પૂરી સંભાવના છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે અનેક પ્રભાવિત ખેડૂત પરિવારોને પોતાના વતનમાંથી હિજરત કરવાની ફરજ પડે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. જસાપર ગામની સાથે જ ચાંચાવદરડા ગામમાં પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત થતાં બંને ગામો દ્વારા તંત્રને લેખિત અરજી આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: