મોરબીમાં ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં દિલ્હી અને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની ટીમે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટેની રવાપર - ધુનડા રોડ પરની સૂચિત જગ્યાનું બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્ટેશન સ્થાપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થળની ભૌગોલિક યોગ્યતા અંગે પ્રાથમિક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો અને સઘન પ્રયાસોના પરિણામે આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. મોરબીની મુલાકાતમાં ન્યૂ દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયોના એડિશનલ ડિરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ અને અમદાવાદ-ગુજરાત ક્લસ્ટર આકાશવાણીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી સહિતના સ્થાનિક આગેવાનોએ રવાપર - ધુનડા રોડ પર ફાળવેલ સરકારી ખરાબાની જગ્યા પર બારીકાઈથી નિરીક્ષણ કરી પ્રોજેક્ટની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
