મોરબી તાલુકા પોલીસે વાંકાનેર સિટી વિસ્તારના સબ સ્ટેશનમાંથી રિએક્ટરની ચોરી કરવાના ગુનામાં છેલ્લા પોણા 2 વર્ષથી નાસતા ફરતા 3 આરોપીઓને ઝડપી લઈ વાંકાનેર સિટી પોલીસને સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટિયા અને સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા સહિતનો સર્વેલન્સ સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સ્ટાફ્ને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના રીએક્ટર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓ હાલ ધરમપુર રોડ પર સુરાપુરા દાદાના મંદિર પાસે ઊભા છે. આ હકીકતના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને આરોપી અરવિંદભાઈ બચુભાઈ વિરમગામિયા (ઉ.વ. 33, રહે. વીસીપરા મદીના સોસાયટી, મોરબી-01), વનરાજભાઈ દેવરાજભાઈ કુંઢીયા (ઉ.વ. 20, રહે. લીલાપર ચોકડી, મોરબી) અને કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઈ વિરમગામિયા (ઉ.વ. 35, રહે. મફ્તિયાપરા, મોરબી) ને ઝડપી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.