મોરબી જિલ્લાના વહીવટી વડા અને કલેક્ટર સ્વપ્નિલ ખરેદ્વારા આજે વહેલી સવારે સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે એકાએક આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા હોસ્પિટલના તબીબો અને વહીવટી સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સામાન્ય રીતે સરકારી કચેરીઓ શરૂ થવાના સમય પહેલા, એટલે કે વહેલી સવારે જ કલેક્ટર ખુદ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવી પહોંચ્યા હતા. કોઈપણ પૂર્વ સૂચના વગર લેવાયેલા આ કડક એક્શનના કારણે હોસ્પિટલ તંત્ર સફાળું જાગી ગયું હતું અને સ્ટાફ પોતાના યુનિફોર્મ અને હાજરી સરખી કરવા દોડતો થયો હતો.
કલેક્ટરે ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હોસ્પિટલના દરેક નાના-મોટા વિભાગોની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી હતી. તેમણે તાજેતરની હોસ્પિટલ અગ્નિકાંડની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા સિવિલમાં કાર્યરત ફાયર સેફ્ટી સિસ્ટમની ઝીણવટભરી તપાસ કરી હતી અને તે ચાલુ હાલતમાં છે કે નહીં તેની ખાતરી કરી હતી.
શૌચાલયોની સફાઈ પણ ચકાસી
ત્યારબાદ તેઓ હોસ્પિટલના જનરલ વોર્ડ, ઇમરજન્સી રૂમ અને ખાસ કરીને દર્દીઓ માટેના ટોયલેટની સ્થિતિ ચકાસવા પહોંચ્યા હતા. શૌચાલયોની સફાઈ અને રૂમની સ્વચ્છતા અંગે તેમણે ઓન-સ્પોટ અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
દર્દીઓ સાથે વાત કરી મેળવી માહિતી
આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે કોઈ સરકારી પ્રોટોકોલ રાખ્યા વિના વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિજનો સાથે બેડ પાસે જઈને સીધી વાતચીત કરી હતી. તેમણે દર્દીઓ પાસેથી હોસ્પિટલમાં મળતી મફત દવાઓ, સારવારની ગુણવત્તા, ડોક્ટરો સમયસર આવે છે કે નહીં અને સ્ટાફનું વર્તન કેવું છે તે અંગેની સાચી માહિતી મેળવી હતી. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આરોગ્ય સેવાઓમાં કોઈ ખામી ન નડવી જોઈએ. જો ભવિષ્યમાં કોઈ બેદરકારી સામે આવશે તો કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી.
આ પણ વાંચો---- Gujarat Latest News live : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ