હળવદ તાલુકા સહિત મોરબી જિલ્લા ગ્રામ્યમાં ખાનગી કંપનીની હેવી વીજ લાઈન નાંખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જમીનમાં ઊભા પાક અને જમીનના નુકસાન સામે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ હવે સરકાર સામે મોરચો માંડયો છે. ત્યારે ગાંધીનગર સુધી પોતાનો અવાજ પહોંચાડવા કચ્છ અને મોરબી જિલ્લામાંથી નીકળેલા ખેડૂતોએ નિર્ણય લીધો છે.
મોરબી જિલ્લાના અનેક ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવા રવાના થયા છે. ત્યારે હળવદ પાસેના કચ્છ અમદાવાદ હાઈવે ઉપર જય જવાન જય કિસાનના નારા સાથે ટ્રેક્ટર સાથે ખેડૂતોની લાંબી લાઈનો સાથે નીકળ્યા છે. પંથકના ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે કંપની દ્વારા તેમની જમીન પર કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેમને પૂરતું અને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ અન્યાયના વિરોધમાં ખેડૂતોએ ટ્રેક્ટર કૂચ શરૂ કરી છે. પોતાના હક માટે લડી રહેલા આ ખેડૂતો ગાંધીનગરમાં પહોંચીને ત્યાં ધામા નાંખશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ નોંધાવશે તેવું વિસ્તારના ખેડૂતો દ્વારા વધુમાં જાણવા મળ્યું છે.










