મોરબી તાલુકાના રાજપર ગામમાં આવેલા નવા પ્લોટ વિસ્તારમાં એક મકાનમાં સંગ્રહ કરી રાખેલા કપાસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આજુબાજુમાંથી કોઈ તણખો ઉડીને આવતાં લાગેલી આ આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી. બનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. રાજપર ગામના નવા પ્લોટ ખાતે મનસુખભાઈ લોરિયાના મકાનમાં આશરે 70 થી 80 મણ જેટલો કપાસ રાખવામાં આવ્યો હતો. દરમિયાન કોઈ કારણોસર આજુબાજુમાંથી ફ્ટાકડાનો તણખો કે અન્ય કંઈ ઉડીને આવતાં મકાનમાં રાખેલા કપાસના જથ્થામાં આગ લાગી ગઈ હતી. કપાસ જ્વલનશીલ હોવાથી ગણતરીની પળોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર મકાનમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.

આગના લબકારા જોઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતાં જ ગામલોકો મદદ માટે દોડી આવ્યા હતા અને જાતે જ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.