માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે મોડી સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સાંજના સાતેક વાગ્યાથી રાત્રીના 11:30 વાગ્યા સુધીના માત્ર 3.5 કલાકના સમયગાળામાં માળીયા મિયાણા પંથકના પાંચેક ગામોમાં 4 થી 5 ઈંચ જેટલો મુસળધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ગામના સરપંચે જણાવ્યું હતું.
માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકસણીયા અને તાલુકા પંચાયત સદસ્ય કેતન વિડજાના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા, વેજલપર, ખાખરેચી, કુંભારીયા, વેણાસર સહિતના 5 થી વધુ ગામોમાં ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રે 11:30 વાગ્યા પછી વરસાદનું જોર ધીમું પડતાં ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું હતું.
