એક તરફ્ સરકાર રમત ગમત ક્ષેત્રે યુવાનોને આગળ લાવવા કમર કસી રહી છે. તો બીજી તરફ્ મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભનું આયોજન કોઈ ઢંગધળા વગરનું હોય સ્પર્ધકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓનલાઇન નોંધણી કરાવનાર રમતવીરોને સ્પર્ધાના સમય કે સ્થળ અંગે કોઈપણ પ્રકારની સત્તાવાર જાણ કરવામાં આવતી ન હોવાથી અનેક સ્પર્ધકો સ્પર્ધાથી વંચિત રહી ગયાની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત આયોજન સ્થળ પર પીવાના પાણી અને છાંયડા માટે પૂરતા મંડપ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેલાડીઓ ખુલ્લા તાપમાં બેસવા મજબૂર બન્યા છે.
મોરબીમાં મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની શરૂઆત 26 તારીખથી કરવામાં આવી છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હોવા છતાં, તેઓને સમયસર કાર્યક્રમની જાણ કરવામાં તંત્ર નિષ્ફ્ળ નીવડયું છે. ઇન્ચાર્જ રમત ગમત અધિકારીનું એવું કહેવું થાય છે કે બધી વિગતો અને પરિપત્રો વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના કે અન્ય ખેલાડીઓને આ અંગે ખબર ન હોવાથી તેઓ અટવાઈ રહ્યા છે. ગઈકાલે આયોજિત મહાનગરપાલીકા કક્ષાની ચેસની ટુર્નામેન્ટમાં ભાગ લેનારા સ્પર્ધકો કે શાળાઓને કોઈ અગાઉથી જાણ કરાઈ ન હતી અને છેલ્લી ઘડીએ સ્પર્ધા શરૂ થાય ત્યારે ફોન કરીને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. આ પ્રકારના અણઘડ વહીવટના કારણે અનેક રમતવીરો યોગ્ય માર્ગદર્શન વિના મેદાનમાં ભટકી રહ્યા હતા.
