મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી થતા તેની ગંભીર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ઈરાને સ્ટેટ ઓફ હોમૂંઝનો માર્ગ બંધ કરી પેટ્રોલિયમ પેદાશની આવાગમન અટકાવી દેતા હાલમાં મોરબી સિરામિક એકમોમે મળતા પ્રોપેન ગેસની સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.


મોરબીમાં પ્રોપેન-LPGનો સપ્લાય ઠપ થતા હાલાકી

બીજી તરફ ગુજરાત ગેસ કંપનીએ પણ આજે તા.૬ માર્ચથી સપ્લાયમાં ૫૦ ટકાનો કાપ મુકાવાની જાહેરાત કરતા મોરબીના અનેક સિરામિક એકમોમાં શટડાઉનની સ્થિતિ ઉભી થઇ છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સના ઉત્પાદન માટે ગેસ સૌથી અગત્યનું અને મહત્વનું પરિબળ છે ત્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને પગલે એલપીજી અને એલેનજી સહિતના ગેસ પુરવઠાને અસર પડી છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝના સૂત્રોના જણાવ્યા મુજબ સિરામિક ક્લસ્ટર મોરબીમાં ઉદ્યોગોને મળતો પ્રોપેન ગેસ ગઈકાલથી જ અટકી ગયો છે, જેના કારણે ફેક્ટરીઓના પ્રોડક્શનને માઠી અસર પડી છે.

સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા

પ્રોપેન સપ્લાય બંધ થતાં ગુરુવારે અનેક ફેકટરીઓએ શટ ડાઉન લાગુ કરી દીધું હતું અને શટડાઉનનો સિલસિલો આગામી દિવસોમા ચાલુ રહેવાની શક્યતા છે. બુધવારથી જ મોટાભાગના સિરામિક એકમોએ નવા ઓર્ડરો લેવાના બંધ કરી દીધા હતા. તેવામાં ગેસની સપ્લાય ખોરવાઈ જતા હવે સિરામિક એકમો ક્રમશ: પ્રોડક્શન બંધ કરી રહ્યા છે. જો ગેસની સપ્લાય શરૂ નહીં કરાય તો એકાદ સપ્તાહમાં જ આખો સિરામિક ઉદ્યોગ જ ઠપ્પ થઈ જશે.

ગુજરાત ગેસની પાઇપલાઇન સપ્લાયમાં આજથી 50 ટકાનો કાપ

મોરબીના ૬૫થી ૭૦ ટકા સિરામિક ઉદ્યોગો પ્રોપેન ગેસનો વપરાશ કરે છે. જ્યારે બાકીના ૩૦થી ૩૫ ટકા ઉધોગો PNG ગેસનો વપરાશ કરે છે. જેમાં ગુજરાત ગેસે કંપનીએ વેચાણ કરારની જોગવાઈઓ અનુસાર ફોર્સ મેજર જાહેર કરી હતી. સત્તાવાર નોટિસ અનુસાર, ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી કંપનીએ ગેસ સપ્લાય મર્યાદિત કરવા નિર્ણય કરી નિયમિત એકમોના કિસ્સામાં, ફેબ્રુઆરી ૨૦૨૬ ના મહિનાના સરેરાશ દૈનિક વપરાશના આધારે ૫૦% મુજબ નવો DCQ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ ફાળવેલી કુલ ક્વોન્ટિટી કરતા વધુ વપરાશ કરશે, તો કોઈપણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો સ્થગિત કરી દેવામાં આવશે.


આ પણ વાંચો : Gujarat Police : ગુજરાતમાં 37 IPS અધિકારીની મોટાપાયે બદલી, શમશેર સિંઘ ચાલુ મહિને જ થશે વય નિવૃત


  • Follow us on: