મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલી છતર GIDC નજીક આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં આવેલા એક ભંગારના ડેલામાં એકાએક આગ લાગી હતી, જેમાં રહેલા પ્લાસ્ટિકના જથ્થા અને અન્ય જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના કારખાનાઓમાં કામ કરતા શ્રમજીવીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

જ્વલનશીલ પદાર્થોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું

ભંગારના ડેલામાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો વેસ્ટ અને કેટલાક કેમિકલયુક્ત જ્વલનશીલ પદાર્થો રાખવામાં આવ્યા હતા. આ પદાર્થોને કારણે આગ અત્યંત ઝડપથી પ્રસરી હતી અને આગની લપેટોએ આખા ડેલાને બાનમાં લીધો હતો. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની રહી હતી. સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ભંગારના ડેલામાં રહેલો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે.

ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા યુદ્ધના ધોરણે કામગીરી

આગની જાણ થતા જ મોરબી અને આસપાસના વિસ્તારના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરી જતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જીઆઈડીસી વિસ્તાર હોવાથી આગ વધુ પ્રસરે તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી, જેને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો