હળવદ : હળવદના આંગણે આગામી તા. 18મી નવેમ્બરથી તા. 24મી સુધી અનડકટ પરિવાર દ્વારા દ્વારા પિતૃઓના મોક્ષાર્થે પરમ પાવન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અત્રે યોજાનારી આ સંગીતમય કથાના વક્તા આચાર્ય રણછોડદાદા કથાનું રસપાન કરાવશે. હળવદની મોરબી-માળીયા ચોકડી પાસે શ્રી સાંદિપની ઇંગ્લીશ સ્કૂલનું વિશાળ પરિસર શ્રીમદ ભાગવત કથા ભક્તિમય રંગે રંગાશે. આ 7 દિવસીય જ્ઞાનયજ્ઞમાં દરરોજ સવારે 9થી 12 અને બપોરે 3થી 6 કલાક દરમિયાન શ્રોતાઓને કથામૃતનું પાન કરાવવામાં આવશે. આ કથાનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. જેથી દેશ-વિદેશમાં વસતા હળવદ અને તાલુકાના ભક્તો પણ ઘરે બેઠા કથા શ્રવણનો લ્હાવો લઈ શકશે. તા. 18મી સવારે 8:30 કલાકે વાજતે-ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળશે. તા. 19મીએ શ્રી શુકદેવજી પ્રાગટય પ્રસંગની ઉજવણી, તા. 20મીએ શ્રી કપિલ જન્મ કથાનું રસપાન, તા. 21મીએ સાંજે 5 વાગ્યે શ્રીકૃષ્ણ પ્રાગટય મહોત્સવ, તા. 22મીએ શ્રીગોવર્ધન પૂજા અને ભવ્ય અન્નકૂટ દર્શન, તા. 23મીએ શ્રી રૂક્મણી વિવાહ તેમજ તા. 24મીએ શ્રી સુદામા ચરિત્ર, શ્રી વિષ્ણુસહસ્ત્ર્ર નામ હોમ, કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
