ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરતા રાજકોટના બે શખ્સોને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ તથા જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ટંકારા પીઆઈ જે.ડી. ઝાલા દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ્ મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા બંને આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કરાયા હતા. વોરંટ ઇશ્યુ થતાં જ આરોપીઓની સત્વરે અટકાયત કરવા ટંકારા પોલીસ સ્ટેશનની બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ રાજકોટ ખાતેથી કાલાવાડ રોડપર કોટેચા ચોકમાં રહેતા મચ્છાભાઈ પરબતભાઈ વરૂ (ઉં.વ. 26) અને 150 રીંગ રોડ પર એસ.આર.પી. કેમ્પ તથા મચ્છો માતાજીના મંદિર સામે રહેતા મોમભાઈ કરમણભાઈ વરૂ (ઉં.વ. 36) ને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ તથા જૂનાગઢ જેલ હવાલે કરી આગળની કાર્યવાહી પૂર્ણ કરી છે.
