મોરબી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગત રાત્રે જેતપુર-રાપર રોડ પર એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ સાઈડમાં આવેલા પાણી ભરેલા નાળામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
ઘટનાની વિગતો
ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ કાનાણી અને ભીખાલાલ દલસાણીયા પોતાની કાર લઈને જેતપુર-રાપર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટાઈને પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. કાર ઉંધી પલટી મારી ગઈ હોવાથી બંને યુવાનોને બહાર નીકળવાની તક મળી ન હતી.












