આણંદ શહેરમાં આવેલી જાણીતી કસ્તુરબા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાત
મળતી માહિતી મુજબ, મૃતક કિશોરી મૂળ તારાપુર તાલુકાના ફતેપુરા ગામની વતની હતી અને આણંદની કસ્તુરબા વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. હોળીના તહેવાર નિમિત્તે હોસ્ટેલમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હોલિકા દહન બાદ રાત્રે તમામ વિદ્યાર્થિનીઓ સાથે તેણે ભોજન લીધું હતું અને ત્યારબાદ તે પોતાના રૂમમાં ગઈ હતી.
કબાટના હેન્ડલ સાથે ગળેફાંસો ખાધો
રૂમમાં ગયા બાદ કિશોરીએ લોખંડના કબાટના હેન્ડલ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓને આ અંગે જાણ થઈ ત્યારે હોસ્ટેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ત્યાં સુધીમાં કિશોરીનું મૃત્યુ નીપજ્યું હતું. ૧૫ વર્ષની નાની ઉંમરે કિશોરીએ આવું પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ આણંદ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કિશોરીના રૂમની તપાસ હાથ ધરી છે અને તેના આપઘાત પાછળના કારણો શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Vadodara: જીવતો વીજ કેબલ તૂટી પડતા રહેણાંક વિસ્તારમાં નાસભાગ, MGVCLની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી