નડિયાદઃ માર્ગ અકસ્માતોમાં જીવ બચાવી શકાય માટે રાહવીર એવોર્ડથી સન્માનિત કરવા માટેની 100 ટકા કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે સ્કીમ અન્વયે ખેડા જિલ્લામાં માર્ચ 2026ના માસમાં મહુધા પોલીસ સ્ટેશનની હદમાં તા.1 જાન્યુઆરી 2026ના રોજ રાત્રીના સમયે એક બાઈક તથા રીક્ષા વચ્ચે ગંભીર બનાવ બન્યો હતો, જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા, જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હતી. આ ચારેયને વિજયભાઈ મોહનભાઈ તળપદા (રહે.વડથલ) દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી, ઈજાગ્રસ્તો સાથે હોસ્પિટલ જઈ, તેમના પરિવારજનોને જાણ કરી, પોલીસ બોલાવી હતી. આ જ રીતે મહેમદાવાદ પોલીસ મથક હદ વિસ્તારમાં ગત તા.7 ફેબ્રુઆરી 2026ના રોજ બાઈક તથા કાર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં ઘાયલ થયેલ વ્યક્તિઓને બનાવ સ્થળ નજીક ચ્હાની લારી ધરાવતા સંજયભાઈ જેસંગભાઈ સોઢા(રહે.સિહુંજ)એ તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ પહોંચાડયા હતા.આ બંને વ્યક્તિઓને ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા.
