વડોદરાના બે મિત્રો પોતપોતાની આઈશર ગાડીઓમાં કેળા ભરીને ડીસા ખાલી કરવા જતા હતા. દરમિયાન એક્સપ્રેસ હાઈવે પર આગળ જતી કન્ટેનર પાછળ મિત્રની આઈશર ભટકાઈ ગઈ હતી. મિત્ર બચાવો બચાવોની બુમો પાડતો હતો. જેને બચાવવા મિત્રએ તથા હાઈવે પેટ્રોલીંગે ભારે જહેમત ઉઠાવી કેબિનમાંથી બહાર કાઢયો હતો પણ તેનો જીવ બચ્યો ન હતો. વડોદરા સિનોરના બરકાલ ગામમાં રહેતા કમલેશભાઈ રસીકભાઈ વસાવા તથા તેના મિત્ર મનેશભાઈ મહેશભાઈ વસાવા (રહે.બરકાલ) બંને ટ્રાન્સપોર્ટની આઈશરમાં સિનોરથી કેળા ભરીને ડીસા કોલ્ડસ્ટોરેજ સુધીના ફેરા લગાવતા હતા. ગઈકાલે તા.5 જુલાઈ 2026ના રોજ બંને મિત્રો પોતપોતાની ગાડીઓમાં સિનોરથી કેળા ભરીને વડોદરા અને ત્યાંથી એક્સપ્રેસ હાઈવે મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન મનેશની આઈશર આગળ જ્યારે કમલેશને આઈશર પાછળ હતી. મનેશે તેની આગળ જતા એક કન્ટેનરના પાછળના ભાગે તેની આઈશર અથડાવી દીધી હતી. અકસ્માત બાદ કન્ટેનર ઉભી રહ્યા વગર જતી રહી હતી. મિત્રની ગાડીને અકસ્માત થતાં બચાવવા માટે કમલેશભાઈ દોડી ગયા હતા. જ્યાં ગાડીમાં ફસાયેલ મનેશ બચાવો બચાવોની બુમો પાડી રહ્યો હતો. તેના ડાબા પગે ગંભીર ઈજાઓ તથા છાતી અને પેટના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી. હાઈવે પેટ્રોલીંગની ટીમ સ્થળ પર આવી પહોંચતા મનેશને બહાર કાઢયો હતો. પણ એમ્બ્યુલન્સે તપાસતા મનેશને મૃત જાહેર કર્યા હતા. કમલેશભાઈએ મિત્રના મૃતદેહને મહેમદાવાદ સરકારી દવાખાને ખસેડયો હતો. આ બનાવ મામલે કમલેશભાઈની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
