ઠાસરાના પાંડવણીયામાં એકજ દિવસના મૃત નવજાતને કોઈએ ગટરના પાણીમાં ફેંકી દેતા લોકોમાં ભારે રોષ સાથે ફીટકારની લાગણી વ્યાપી જવા પામી છે. બનાવની જાણ ડાકોર પોલીસને થતાં ટીમે સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં પુછતાછ સાથે હોસ્પિટલોમાં પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ઠાસરા તાલુકાના પાંડવણિયામાં રહેતા સુશયકુમાર મનુભાઈ મેકવાનનું ખેતર પાંડવણિયા - સીમલજ રોડ પર સ્મશાનની બાજુમાં આવેલુ છે. ગઈકાલે તા. 8 જુલાઈ 2026ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે સુશયભાઈ સ્મશાનની બાજુમાં આવેલ રસ્તે થઈને ઘરે આવતા હતા. દરમિયાન સ્મશાનની પાછળ આવેલ ગટરના પાણીમાં એક નાનુ બાળક પડેલ હતું. જેથી તેમણે તુરતજ ડાકોર પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મહિલા પોલીસે બાળકને લઈને તપાસ કરતાં બાળકી હોવાનું અને તાજી જન્મેલી જ હોવાનું તથા બાળકીના ડુંટીના ભાગે ભુરા કલરની દવાખાનાની પટ્ટી લગાવેલી અને બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે નવજાતના માતા - પિતાની શોધ માટે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી પણ કંઈ હાથ લાગ્યું ન હતું. પોલીસે મૃત નવજાતને ડાકોર સરકારી હોસ્પિટલમાં મોકલી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો