ઠાસરા તાલુકાના સૈયાંતમાં રહેતા એક ઈસમે પાંચ વર્ષ અગાઉ ધોરણ 8માં ભણતી સગીરાને તુ મારી સાથે બોલ, મારો ફોન લઈ જા, જો તુ જતી રહીશ તો તારા માતાના ફોન પર મેસેજ, ફોન કરીશ તેવી ધમકી આપતાં સગીરા ગભરાઈ ગઈ હતી. અને ઘરે જઈને કેરોસીન છાંટી સળગી જતા મૃત્યુ પામી હતી. આ કેસમાં ધમકી આપનાર ઈસમને અદાલતે દસ વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. બનાવની વિગત એવી હતી કે ખેડા જિલ્લાના એક ગામમાં રહેતી અને 8માં ધોરણમાં ભણતી એક સગીરા ગત તા.24 જાન્યુઆરી 2021ના રોજ તેના મામાના ખેતરમાં જતી હતી. દરમિયાન દેવેન્દ્ર રાજેશભાઈ ચાવડા (રહે.સૈયાંત, ઠાસરા) તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે તેને રોકી હતી. દેવેન્દ્રએ તુ મારી સાથે બોલ, આ મારો ફોન લઈ જા તેમ કહેતા સગીરા ગભરાઈ ગઈ હતી. સગીરાએ ફોન લેવાની ના પાડતા દેવેન્દ્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે ધમકી આપી તુ જઈશ નહીં, જો જઈશ તો અમે તારી માતાના ફોન પર ફોન તથા મેસેજ કરી હેરાન કરીશુ કહેતા સગીરા ગભરાઈ ગઈ હતી. અને તેના મામાના ઘરે જતી રહી હતી, ઘરે જઈને કોઈને વાત કરી ન હતી. બીજા દિવસે તેના માતા - પિતાના ઘરે પહોંચી, ઉપરના માળે જતી રહી હતી. જ્યાં દેવેન્દ્રએ આપેલ ધમકી બાબતે વિચારો આવતા ગભરામણ થતાં સગીરાએ રુમમાં પડેલ સ્ટવમાંથી કેરોસીન વાટકીમાં કાઢી તે કેરોસીન શરીરે છાંટી સળગી ગઈ હતી. આ બાબત સગીરાએ મરણોન્મુખ નિવેદનમાં અને ફરિયાદમાં જણાવી હતી. હાલમાં આવા કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા હોય, કાયદાનો સહેજ પણ ભય રહ્યો ન હોઈ, બનાવની ગંભીરતાને અદાલતે ધ્યાને લીધી હતી. આ કેસ સ્પે.પોકસો જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો, સાહેદોની જુબાની, દસ્તાવેજી પુરાવાને અદાલતે ધ્યાને લીધા હતા.
