ખેડા-આણંદ જિલ્લામાં ગત સપ્તાહે મેઘરાજાએ મહેર કરતાં મુરઝાતી મૌલાતને જીવતદાન મળી ગયુ હતુ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મોટા પ્રમાણમાં ચોમાસુ પાકોની વાવણી પૂર્ણ થઈ હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે. ખેતરોમાં જમીનની ભેજ ઝડપથી ઓછી થવા લાગી છે, જેના કારણે ઉભા પાકો પર પ્રતિકૂળ અસરના સંકેતો જોવા મળી રહ્યા છે.

બંને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતો દ્વારા મગફળી, કપાસ, મકાઈ, સોયાબીન, ગવાર તેમજ કારેલા, દૂધી, ભીંડા, મરચાં, ટામેટાં, રીંગણ સહિત વિવિધ શાકભાજીના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ વરસાદના લાંબા વિરામને કારણે તમામ પાકોમાં ભેજની અછત સર્જાઈ રહી છે. જો આષામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પાકના વિકાસ પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.મષફળીના પાકમાં ફૂલ અને ટીકડી ખરી પડવાની ભીતિ છે, જેના કારણે શીંગના વિકાસ પર અસર થઈ શકે છે. કપાસમાં ફૂલ અને સ્ક્વેર ખરી પડતાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે. મકાઈ, સોયાબીન અને ગવારના પાકમાં પણ વૃદ્ધિ ધીમી પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બીજી તરફ શાકભાજીના પાકોમાં છોડ કરમાવા, ફૂલ અને નાના ફળ ખરી પડવા તેમજ ઉત્પાદન ઘટવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વરસાદના લાંબા વિરામને કારણે મગફળીના પાકમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉભી થવાની પણ શક્યતા વધી રહી છે. હાલ સમગ્ર જિલ્લા ગ્રામ્યની જેમ ઈડર તાલુકાના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. આગામી દિવસોમાં સારો વરસાદ વરસે તો ચોમાસુ પાકોને નવજીવન મળી શકે છે, પરંતુ વરસાદ વધુ સમય સુધી ખેંચાશે તો ચોમાસાની ખેતીને મોટું નુકસાન થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.