નડિયાદ : કપડવંજની સ્યુસાઈડ પોઈન્ટ બનેલ ફતિયાબાદ કેનાલમાં વધુ એક વ્યક્તિએ ઝંપલાવ્યાનું સામે આવ્યું છે. જેને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ શોધખોળ હાથ ધરવામાં આવી નથી. કપડવંજમાં આવેલ ફતિયાબાદ કેનાલ પર આજે એક 40 વર્ષના આશરાના પુરુષ વ્યક્તિ દ્વારા ઝંપલાવ્યાનું સામે આવ્યું હતું. એક વ્યક્તિએ પુરુષ વ્યક્તિએ ઝંપલાવ્યાનું જાણતા જ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન સ્થળ પરથી ચંપલ અને એક થેલી મળી આવી હતી. જેમાં એક આધારકાર્ડ હતું, આધારકાર્ડ પ્રમાણે કઠલાલ તાલુકાના પહાડમાં રહેતા પ્રવિણભાઈ ફતેસિંહ પરમાર હોવાનું અનુમાન કરાઈ રહ્યું હતું. પ્રવિણભાઈના ઘરે બનાવની જાણ કરતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રવિણભાઈના ત્રણ સંતાનો છે, ઘરે કોઈ કકળાટ કે અણબનાવ બન્યો નથી જેથી તે કેનાલમાં ઝંપલાવે. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ કેનાલમાં કોઈ શોધખોળ કરવામાં આવી રહી નથી.
