સાક્ષરનગરી નડિયાદમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની સવારી યથાવત રહી હતી. જેને લઇને શહેરના મુખ્ય સંતરામ રોડ સહિત અન્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અઢી લાખ ઉપરાંત નગરજનોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં વર્ષોથી ધારાસભ્ય એજ અને સિઝનમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા એજ રહી છે. મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ વરસાદી પાણીના નિકાલ માટે બજેટમાં કરોડો ફાળવ્યા બાદ તે પ્રમાણે નગરમાં પ્રિ મોન્સૂનની કામગીરી નહીં થવાથી શહેરમાં પાણી ભરાવવાની આ સમસ્યા યથાવતાં રહેતાં નગરજનો રોષે ભરાયા છે.

નડિયાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 22 ઇંચ ઉપરાંત વરસાદ વરસતાં મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તાર અને બજાર વિસ્તારમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. શહેરમાં વર્ષોથી ધારાસભ્ય પંકજ દેસાઇ છે. ત્યારે નગરમાં વર્ષોથી ચોમાસાની સિઝનમાં રબારીવાડ , દેસાઇ વગા ,માઇમંદિર , ખોડિયાર માતા ગરનાળા, મોટા મહાદેવ , ઇન્દીરાનગર , મરીડાભાગોળ, પીજભાગોળ , મિશનરોડ, ગાજીપુરા , સંતરામ દેરી રોડ સહિત અનેક માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. સંતરામ મંદિર પાછળ સંતરામ આંખની હોસ્પિટલ તેમજ રબારીવાડ જવાના રોડ પર ઢીચણસમા પાણી ભરાઇ જતા અત્રેની હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય ઓપીડી અને ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. અને ધારાસભ્યના નિવાસ સ્થાન નજીક રોડ પર બે થી ત્રણ ફૂટ પાણી ભરાયેલા છે. જેથી આ વિસ્તારના રહીશો બેહાલ બની ગયા હતા. અમુક ઘરો મા પાણી ઘુસી જતાં તેઓની સ્થિતિ કફોડી બની ગઇ છે. 150 ઉપરાંત લોકો સ્થળાંતર થવાની ફરજ પડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મનપા તંત્ર અને નેતાઓની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ છતી કરી દીધી છે. શહેરમાં ઘણા વર્ષોથી એજ ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે. અને સત્તાનું સમીકરણ બદલાયુ નથી, પરંતુ કમનસીબે શહેરીજનો માટે પાણી ભરાવાની હાલાકી પણ એજ રહી છે ! દર વર્ષે કરોડો રૂપિયા વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ સફાઇના દાવાઓ થાય છે. પરંતુ મેઘરાજાનું આગમન થતાં જ તંત્રનો વિકાસ પાણીમાં ગરકાવ થઇ જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી અને વિકાસના દાવા સામે અનેક સવાવો ઉભા થયા છે. સંતરામ રોડ , પારસ સર્કલ સહિત અન્ય મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આ ઉપરાંત ફતેપુરા રોડ રાજીવનગર , સુખસાગર સોસાયટી સહિત અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી સામાન પલળી ગયો હતો. પાણી ભરાઇ જવાના કારણે મહિલા તેમજ સિનિયર સિટીઝનો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. તેમજ નગરમાં વિકાસના ઠેર ઠેર ખોદકામના કારણે માર્ગો પર માટીને લઇને કાદવ કીચડમાં પસાર થતાં વાહનો સ્લીપ ખાઇ જવાથી અકસ્માતના બનાવો બને છે. તેમજ અમુક માર્ગો પર ભરાયેલા પાણી માંથી પસાર થતાં વાહનો ખોટકાઇ જવાથી ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.