મહુધા તાલુકાના સાપલા ગામમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ પ્રકાશમાં આવતાં સમગ્ર આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આ ગામની એક 9 વર્ષિય બાળકી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. બીજીબાજુ આરોગ્ય વિભાગની ટીમ સંક્રમિત બાળકીના ઘરની આસપાસ વિસ્તારની તપાસ અને જંતુ નાશક દવાનો છંટકાવ , માટીની દિવાલની તિરોડો પૂરવા સહિત સમગ્ર ગામમાં ડોર ટુ ડોર સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયસરના કેસને લઇને આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. મહુધાના સાપલા ગામમાં રહેતા એક 9 વર્ષિય બાળકીને તીવ્ર તાવ સહિત ચાંદીપુરાના લક્ષણો દેખાયા હતા. આ સંક્રમિત બાળકીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ કેસને લઇને તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા સમગ્ર ગામમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ ટીમ દ્વારા ચાંદીપુરા ગ્રસ્ત બાળકીના ઘરની આસપાસ વિસ્તારમાં સર્વે ઉપરાંત ઘરોની માટીની દિવલોની તિરાડો પૂરવા સહિત જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ પાણીના ખાબોચિયામાં માટી પૂરણ કરીને તેમજ સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોમાં જાગરૂકતા ફેલાવવા માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. અને ગ્રામજનોને અપીલ કરી હતી કે, બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ નજર રાખવી , અચાનક તાવ કે અન્ય કોઇ અસામાન્ય લક્ષણ જણાય તો ઘરેલું ઉપચાર કરવાના બદલે તુરંત સરકારી કે ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરાવો, જેથી વહેલી તકે નિદાન થાય અને યોગ્ય સારવાર મળી શકે છે.
