માતરના સંધાણા નજીક આજે સોમવારે સવારના સુમારે એક બેફામ કન્ટેનર વાહન ટેમ્પીને ટકકર મારી ફરાર થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટેમ્પી પલ્ટી ખાઈ જતા ટેમ્પી ચાલક પતિને શરીરે ઈજાઓ પહોંચવા પામી હતી. જ્યારે ટેમ્પીના પાછળના ભાગે બેઠેલ પત્નિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજયું હતું. ડભાણના માંડવી ચોકમાં રહેતા બુધાભાઈ મણીભાઈ રાઠોડની દિકરી પ્રિયંકાને પ્રસુતિ માટે ખેડાની ચરોતર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી બુધાભાઈ તથા તેમના પત્નિ રમીલાબેન બંને ટેમ્પી લઈને આજે તા.3 ઓગષ્ટના રોજ ઘરેથી ખેડા જવા માટે નીકળ્યા હતા. વડોદરા - અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થતી વખતે માતરના સંધાણા નજીક પાછળથી એક કન્ટેનર ચાલકે ટેમ્પીને ટકકર મારતાં ટેમ્પી પલ્ટી ખાઈ ગઈ હતી. ટેમ્પીના ચાલક બુધાભાઈને હાથે પગે ઈજાઓ પહોંચવા પામી હતી. ટેમ્પીના પાછળના ભાગે બેઠેલ તેમના પત્નિ રમીલાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને કાનમાં લોહી નીકળતું હતું. અકસ્માત સર્જી કન્ટેનરનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. અને મદદ માટે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમે બંને ઈજાગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં રમીલાબેનને ફરજ પરના ડૉકટરે મૃત જાહેર કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો