ખેડા જિલ્લામાં કપડવંજના ધોળીકૂઇ ખાતે નાના બાળકો માટે રતવાની દવાના નામે ચાલી રહેલા ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણના મસમોટા નેટવર્કનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ નડિયાદ વિભાગના ઔષધ નિરીક્ષક ભૂમિ વી. પટેલ તથા ઔષધ નિરીક્ષક વિશાલ આર. રૂપાપરાની ટીમે મળેલ ચોક્કસ બાતમીના આધારે ધોળીકૂઇ સ્થિત ડોક્ટર સોની, બાવીશી વાળાના દવાખાના ખાતે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી લેબલ વગરની 100 મિ.લી.ની પ્લાસ્ટિક બોટલોમાં ભરેલો 160 બોટલનો લાલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, રતવાની દવા છાપેલા લેબલનો જથ્થો, આશરે 1000 ખાલી બોટલ તેમજ Vitamin-B Complex દવાના 4.5 લીટર ક્ષમતા ધરાવતા 92 પ્લાસ્ટિક કન્ટેનર મળી આવ્યા હતા. તંત્ર દ્વારા કુલ રૂ. 66,400ની કિંમતનો ગેરકાયદે મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રની વધુ તપાસ દરમિયાન દવાખાનાના સંચાલક ડો. શુભમ સુનિલકુમાર સોની (B.H.M.S.)એ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લાપાંચ વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ અમદાવાદની પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન પાસેથી મુંબઈની M/s. Euphoria Pharmaceuticals દ્વારા ઉત્પાદિત ENGE PLEX (Vitamin-B Complex)ના 4.5 લીટરના કારબા ખરીદતા હતા. આ દવાનું પોતાના દવાખાનામાં જ 100 મિ.લી.ની નાની બોટલોમાં રિપેકિંગ કરી, પોતાનું લેબલ લગાવીને દર્દીઓને બોટલ દીઠ રૂ. 80ના ભાવે વેચતા હતા. એટલું જ નહીં તપાસમાં સામે આવ્યું કે આ રીપેકિંગ કે ઉત્પાદન માટે કોઈ કાયદેસરનો પરવાનો કે પ્રોડક્ટ પરમિશન લેવામાં આવી નહોતી. સાથે જ બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર કે બિલિંગ જેવી પ્રાથમિક પ્રક્રિયા પણ જાળવવામાં આવતી નહોતી. તંત્રે શંકાસ્પદ દવાની બોટલોના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને રૂલ્સ, 1945 હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ સૂત્રોએ જણાવ્યું છે.
