ખેડા જિલ્લાને સંપૂર્ણ નશામુક્ત કરવા માટે ખેડા જિલ્લાની એલસીબી, એસઓજી અને નાર્કોટિક્સ વીંગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને સમગ્ર જિલ્લાને ફંફોસવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. છેલ્લા કેટલાય દિવસથી જિલ્લામાંથી ડ્રગ્સ, ગાંજો, ચરસ, મેફોડ્રોનની હેરાફેરીને પોલીસે નિષ્ફળ બનાવી છે. બાદ આજરોજ માતરના નધાનપુરમાં કોડીનયુક્ત સિરપનો જથ્થો પણ એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. સાથે એક ઈસમની પણ અટક કરી છે, અને મુખ્ય સપ્લાયરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. માતર તાલુકાના નધાનપુર મહાદેવ ફળીયામાં રહેતો રાજેશ ઉર્ફે રાજુ રામાભાઈ પરમાર તેના રહેણાં મકાનમાં કોડીનયુક્ત નશીલી દવાઓનો જથ્થો રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી ખેડા નડિયાદ એલસીબી પી.આઈ. એમ.જે.બારોટને મળી હતી. બાતમી આધારે ટીમે ઈસમના ઘરે દરોડો પાડયો હતો. જ્યાં તેના ઘરમાંથી પુઠાના બે બોક્ષ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં ટ્રિપ્રોલિડાઈન હાઈડ્રોક્લોરાઈડ કફ સિરપની 100 એમ.એલ.ની 221 બોટલો મળી આવી હતી. પોલીસે પુછતાછ કરતાં તેણે ધોળકા કલીકુંડમાં રહેતા સંજય રતિલાલને ફોન કરીને નશીલી દવાઓ મંગાવી હતી. જેથી સંજય પોતે પાલ્લા આવીને દવાઓનો જથ્થો તેને આપી ગયો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે કફ સિરપની તમામ બોટલો, મોબાઈલ મળી કુલ રુ. 93,758નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને ઝડપાયેલ ઈસમ તથા સપ્લાયર વિરુદ્ધ લીંબાસી પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ફરિયાદ નોંધી સપ્લાયરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
