ખેડા જિલ્લા છ વિધાનસભા સમાવિષ્ટ મતદારયાદી ખાસ સુધારણા યાદી (SIR) કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં મતદારોની ગણતરીની 100 ટકા પૂર્ણ થઇ ગઇ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શુક્રવારે જિલ્લાની છ વિધાનસભાની ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે .જિલ્લાના કુલ 16,55,062 મતદારો પૈકી 14,62,360 મતદારોનો ડ્રાફટ મતદાર યાદીમાં સમાવેશ થયેલ છે. આ મુસદ્દા (ડ્રાફટ) મતદાર યાદીમાં કોઇ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર તા. 18 જાન્યુઆરી સુધી એક મહિનાના સમયગાળામાં હક્ક,દાવા અને વાંધો રજૂ કરી શકે છે. જયારે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. 17 ફેબ્રુઆરી નારોજ કરાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યુ હતું કે, SIR કામગીરી ખેડા જિલ્લાના માતર, નડિયાદ , મહેમદાવાદ , મહુધા, ઠાસરા અને કપડવંજ મળી કુલ 6 વિધાનસભા મત વિસ્તારોમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કુલ 1655062 મતદારો પૈકી 1462360 મતદારોનું ડિજિટાઇઝેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે 88.36 ટકા કામગીરી થઇ ગઇ છે.જયારે 1992702 મતદારો (11.64 ટકા) ના ફોર્મ પરત મળેલ નથી. જેમાં જિલ્લામાં 1817 બીએલઓ દ્વારા ગણતરી ફોર્મ પરત મેળવવાની પ્રક્રિયા દરમિયાન સરનામે નહીં મળી આવેલ ગેરહાજર 27942 મતદારો, 76673 કાયમી સ્થળાંતર, મૃત્યુ 73272 અને 13455 બેવડાયેલ મતદારો અને 1360 અન્ય મતદારોનો સમાવેશ થયા છે. તમામ મતદારો ડ્રાફટ મતદાર યાદીમાં સમયમર્યાદામાં પોતાની વિગતો ચોક્કસ રીતે ચકાસી લે અને જરૂરી હોય તો સુધારાની કાર્યવાહી કરી શકશે. આજે શુક્રવારે ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ તા. 18 જાન્યુઆરી 2026 સુધી મતદાર યાદી સંબંધિત વાંધા અને દાવાઓ રજૂ કરી શકશે. અને 10 ફેબ્રુઆરી સુધીમાં હક્ક ,દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરી દેવામાં આવશે. અને તા. 13 ફેબ્રુઆરી સુધીમાં મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી મતદારયાદી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવી લેવામાં આવશે. ત્યારબાદ તા. 17 ફેબ્રુઆરીના રોજ આખરી મતદારા યાદી જાહેર કરવામાં આવશે.










