મહેમદાવાદના કાચ્છઈમાં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે સતિષભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણે તેમની દિકરી હિરલ (ઉં.વ.21)ના લગ્ન ગત તા.23 ફેબ્રુઆરી 2023ના રોજ કઠલાલ તાલુકાના કાકરખાડ વેજલીયામાં રહેતા જયદિપસિંહ દિલીપસિંહ ડાભી સાથે કર્યા હતા. ગત તા.6 જુલાઈ 2026ના રોજ હિરલે તેની સાસરીમાં આપઘાત કરી લીધાની જાણ પ્રવિણભાઈએ ઘરે કરી હતી. જેથી તેમના ભાભી દક્ષાબેન નરેશભાઈ તથા દક્ષાબેન જગદીશભાઈએ જણાવ્યું હતું કે હિરલ જ્યારે પણ પિયર કાચ્છઈ આવતી હતી ત્યારે કહેતી હતી કે સસરા લાજ કાઢવા બાબતે તથા ઘરથી બહાર કોઈના ઘરે બેસવા નહીં જવા બાબતે અવારનવાર ઠપકો આપે છે, સાસુ પણ ઘરના કામકાજ બાબતે અવારનવાર ઝઘડો કરે છે. દિયર ખરાબ દાનતથી હેરાન કરતો હોવાથી પતિને કહેતા પતિએ ઢોર માર મારી, છુટાછેડા આપી દઈશ કહી દિયરનું ઉપરાણું લે છે. જો કે દિકરીનો ઘરસંસાર બગડે નહીં તેથી તેને સમજાવીને અમે પિયર મોકલી દેતા હતા. બે મહિના અગાઉ પણ હિરલ જ્યારે પિયર આવી હતી ત્યારે સાસરીપક્ષના ત્રાસ બાબતે કહેતી હતી પણ તેને સમજાવીને પરત મોકલી દીધી હતી.
