અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં શનિવારે બપોરે થયેલા પ્રચંડ બ્લાસ્ટની દુર્ઘટનામાં 8 શ્રામિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં કપડવંજનો 19 વર્ષિય એક આશાસ્પદ યુવાન પણ કાળનો કોળિયો બન્યો હતો. કપડવંજના સૈયદવાડા વિસ્તારમાં રહેતા અશરફઅલી ઇરફાનઅલી સૈયદનું આ દુર્ઘટનામાં કરૂણ મૃત્યુ થતાં સમગ્ર નગરમાં અરેરાટી વ્યાપી ગઇ છે. રવિવારે સવારે યુવકનો મૃતદેહ કપડવંજ ખાતે લવાયો હતો. ત્યારે પરિવાર સહિત સૈયદવાડા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. અને આ યુવકની દફન વિધિ કરવામાં આવી હતી   

કપડવંજના સૈયદવાડામાં રહેતા અશરફઅલી સૈયદ પોતાના પરિવારનાને આર્થિક રીકે મદદરૂપ થવા માટે અમદાવાદ આવ્યો હતો. તે અમદાવાદમાં રહેતા તેના માસીના ઘરે આશરો લઇને રામોલની ફટાકડાની ફેકટરીમાં કામ કરતો હતો. શનિવારે બપોરે અશરફલી સહિત અન્ય શ્રામિકો ફેકટરીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક આ ફટાકડાની ફેકટરીમાં પ્રંચડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આગમાં 8 જેટલા શ્રામિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં અશરફઅલી પણ શરીરે ગંભીર રીતે દાઝી જવાથી તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નીપજયું હતું. 19 વર્ષિય અશરફઅલીનો મૃતદેહ રવિવારે વહેલી સવારે કપડવંજ સૈયદવાડા વિસ્તારમાં તેના ઘેર લાવવામાં આવતાં જ પરિવારના આક્રંદ કરી ઉઠયા હતા. અને દિવ્યાંગ પિતાએ જુવાનજોધ પુત્ર અશરફઅલીની અંતિમવિધિ કરી હતી. સમગ્ર સૈયદવાડામાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.