વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર ગઈકાલે રવિવારની મોડી રાત્રે એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પિતા - પુત્ર ડાલામાં ગીલોડા ભરીને અમદાવાદ ઠાલવવા જતા હતા દરમિયાન હરિયાળા નજીક આઈશરે ડાલાને ટકકર એકના એક જુવાનજોધ પુત્રનું પિતાની નજર સામે જ મોત નિપજયું હતું. જુવાનજોધ પુત્રના મોતને પગલે તેના ત્રણ સંતાનોએ પણ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

ખેડાના પરસાંતજમાં રહેતા અમરાભાઈ શનાભાઈ ગોહેલ તથા તેમનો પુત્ર વિજય (ઉં.વ.32) ગઈકાલે તા.2 ઓગષ્ટ 2026ના રોજ બોલેરો પીકઅપ ડાલામાં ગામમાંથી ગીલોડા ભરીને અમદાવાદ ખાલી કરવા જઈ રહ્યા હતા. ડાલુ અમરાભાઈ ચલાવી રહ્યા હતા, તેમની પાસે ગામનો અજય ગોહેલ બેઠો હતો. જ્યારે તેમનો પુત્ર વિજય ડાલાના પાછળના ભાગે ગીલોડાના પ્લાસ્ટીકના થેલા ઉપર બેઠો હતો. વડોદરા - અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પરથી પસાર થતી વખતે હરિયાળા નજીક પાછળથી એક આઈશરે ડાલાને ટકકર મારી હતી. જેના કારણે પાછળના ભાગે બેઠેલ પુત્ર ઉછળીને રોડ પર પટકાયો હતો. જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તુરતજ 108ને કોલ કરતાં ટીમ દોડી આવી હતી. અને તપાસ કરતાં વિજયને મૃત જાહેર કર્યો હતો.