ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સરકારી તંત્રની ગુનાહિત બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ઠાસરા તાલુકાના ચિતલાવથી સરદારપુરને જોડતો મહત્વનો બ્રિજ રવિવારે સવારે કડડભૂસ થઈને ધરાશાયી થયો હતો. સદનસીબે રવિવારની રજા હોવાથી કોઈ મોટી હોનારત કે જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ સરકારી બાબુઓની લાપરવાહીએ બે ગામ વચ્ચેનો રોજિંદો સીધો સંપર્ક સંપૂર્ણપણે તોડી નાંખ્યો છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મહી કેનાલના વધારાના પાણીના નિકાલ માટે ચિતલાવથી સરદારપુર વચ્ચે નિર્માણ પામેલા આ બ્રિજના પિલ્લર્સ આસપાસ લાંબા સમયથી ભયજનક ધોવાણ થઈ રહ્યું હતું. તંત્ર આ જોખમથી અજાણ નહતું, તેમ છતાં બ્રિજની મરામત કરવાના બદલે અધિકારીઓ કાગળ પર ઘોડા દોડાવતા રહ્યા. તાલુકાના સિંચાઈ અને માર્ગ અને મકાન વિભાગ વચ્ચે ચાલતી જવાબદારીની ખેંચતાણ અને કાગળિયા મંજૂરીના નાટક વચ્ચે આખરે જર્જરિત પુલ જમીનદોસ્ત થઈ ગયો હતો. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નહોતું. બ્રિજ અચાનક તૂટી પડતાં જ ચિતલાવો અને સરદારપુરનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. જેના કારણે દૈનિક અવરજવર કરતા ગ્રામજનો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માટીના ધોવાણ અને જર્જરિત બાંધકામ પ્રત્યે આંખ આડા કાન કરનારા ભ્રષ્ટ અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર પંથકમાં ઉગ્ર માંગ ઉઠી છે.
