નડિયાદમાં મહિને પંદર હજાર રોકડ રુપિયા આપવાની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી, પાસબુક, એટીએમકાર્ડ અને સીમકાર્ડ લઈ ભાડે લીધેલ બેંક એકાઉન્ટમાં ગેમીંગના ખોટા રુપિયા ફેરવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે નડિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નડિયાદ, ગોવા, અમદાવાદ, અને વડોદરાના છ ઈસમો વિરુદ્ધ સાઈબર ફ્રોડની ફરિયાદ નોંધાવવા પામી છે. જેમણે પાંચથી વધુ એકાઉન્ટમાં બે કરોડથી વધુના ખોટા રુપિયાના ટ્રાન્જેકશન કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે ગુજરાતમાં આવા કેટલાય એકાઉન્ટમાં ખોટા રુપિયાની હેરફેર થઈ હોવાનું તપાસ દરમિયાન સામે આવવાની શક્યતા પણ સેવાઈ રહી છે. નડિયાદના સાંઈબાબાનગરમાં રહેતા કમલેશભાઈ કનુભાઈ તળપદાને ફ્રુટનો ધંધો કરવા માટે રુપિયાની જરૂર હોવાથી ગત તા.10 જુલાઈ 2026ના રોજ તેમના મિત્ર ભાવિન લાલજીભાઈ દરજી (રહે.જયઅંબેનગર સોસાયટી, નડિયાદ)ને ક્યાંકથી લોન કે વ્યાજે રુપિયાની મદદ માંગી હતી. જેથી ભાવિને જનક જશવંતભાઈ ઠક્કર (રહે.વડોદરા) જે ગોવા કસીનોમાં આવતા રુપિયા ફેરવવા માટે બેંક એકાઉન્ટ ભાડે લે છે, જે કાયદેસર રીતે આપી શકાય તેમ છે. જે બદલામાં મહીને 15 હજાર રોકડા આપશે તેવી લાલચ આપતા કમલેશભાઈએ મિત્ર પર ભરોસો મુક્યો હતો. અને ભાવિન તથા કમલેશભાઈએ ગુજરાત ગ્રામીણ બેંક, એસટીનગરમાં બેંક ખાતા ખોલાવ્યા હતા. બાદ તા.22 ઓગષ્ટના રોજ ભાવિને કમલેશ પાસેથી બેંક પાસબુક, એટીએમ અને સીમકાર્ડ લઈ લીધું હતું. બાદમાં જનક ઠક્કરને પોતાના ત્રણ એકાઉન્ટ, એક કમલેશભાઈનું તથા અન્ય એક મળી પાંચ એકાઉન્ટની કીટ આપી હતી. જે બાદ કમલેશભાઈએ વારંવાર 15 હજાર રુપિયાની માંગણી કરી હતી, પણ બંને ગલ્લા તલ્લા કરી રુપિયા આપતા ન હતા. જેથી ગત તા.6 ઓકટોબરના રોજ કમલેશભાઈએ બેંકમાં જઈને પોતાના એકાઉન્ટની તપાસ કરતાં ખાતામાં લાખોનું ટ્રાન્જેકશન થયું હતું. જેથી તેમણે તુરત જ જીઓનું સીમકાર્ડ બંધ કરાવી દીધું હતું. જેથી જનક તથા હિતેષ પંચાલ બંને દોડતા કમલેશભાઈ પાસે આવ્યા હતા, અને સીમકાર્ડ ફરીથી ચાલુ કરાવી આપશો તો જ તમને રુપિયા આપીશું તેવી લાલચ આપી હતી. જો કે આ મામલે કમલેશભાઈએ નડિયાદ સાઈબર ક્રાઈમ પોલીસને જાણ કરતાં પોલીસે કુલ 2 કરોડ ઉપરાંતની સાઈબર ફ્રોડની ફરિયાદ ભાવેશ દરજી, જનક ઠક્કર, હિતેષ ઉર્ફે વિનાયક જયંતિલાલ પંચાલ, ગોવાના વિશાલ પંચાલ ઉર્ફે ગોલી, સાજીદ ગોવા, અલગારી ગોવા વિરુદ્ધ નોંધી સાઈબર ક્રાઈમ પી.આઈ. એ.આર.ઝાલાએ મામલાની વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો