મહેમદાવાદના ખાત્રજ ચોકડી પર આવેલ એક મોબાઈલ અને એક સોમીલમાં તથા આમસરણ પાટિયા પાસે આવેલ એક ફાર્મ પર તાજેતરમાં ચોરીના ગુનાઓ બન્યા હતા. આ ગુનાઓ આચરનાર ચોરને પોલીસે ઝડપી પાડયો છે. તેના વિરુદ્ધ ચરોતરના 09 પોલીસ મથકોમાં ચોરી અને જુગારના ગુના દાખલ હોવાનું પણ સામે આવ્યું છે. મહેમદાવાદ પોલીસની ટીમે ચોરીના ગુનાઓ ઉકેલવા માટે જુદી જુદી ટીમો બનાવી, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સથી કામગીરી હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે એક ચોરીના બાઈક સાથે એક ઈસમ ઝડપાયો છે. જેની કડક પુછતાછમાં તેણે મહેમદાવાદમાં થયેલ ત્રણેય ચોરીની કબુલાત સાથે, ચોરીનું બાઈક દહેગામ ખાતેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ફાર્મહાઉસ પરથી ચોરેલ વાયરો, એસીબી, સોકેટ, પ્લેટો, રોકડ, બાઈક મળી રુ. 2.13 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. તસ્કરની પુછતાછમાં 2016 થી લઈને 2023 સુધીમાં તેના વિરુદ્ધ મહેમદાવાદ, ભાલેજ, ચકલાસી, મહુધા, વાંકાનેર, નડિયાદ ટાઉન, નડિયાદ રુરલ, નખાત્રણા, મહુધા પોલીસ મથકોમાં ચાર જુગારના અને પાંચ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.
