રાજ્યમાં ચાલી રહેલ ઓપરેશન મ્યુલ હંટ હેઠળ ચકલાસીમાંથી એક મ્યૂલ એકાઉન્ટ ઝડપાયું છે. જેમાં નડિયાદના એક ઈસમનું નામ ખુલવા પામ્યું છે.
જેણે અગાઉ પણ રુપિયાની લાલચ આપીને બેંક એકાઉન્ટ ભાડે લીધા છે. નડિયાદના ઈસમે એક હજાર વાપરવા આપીને ઓનલાઈન ફ્રોડની રકમ જમા કરાવી બાદમાં થોડીક રકમ ટ્રાન્સફર તથા થોડીક રકમ એટીએમથી ઉપાડી લીધી હોવા મામલે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ચકલાસીમાં આવેલ એસબીઆઈ બેંક પાસેથી નડિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા મંગાવવામાં આવેલ માહિતી મુજબ બેંકના એકાઉન્ટ ધારક સાહીલ સલીમમીયાં ચાવડા (રહે.ચાવડાવાડ, ચકલાસી)ના બેંક એકાઉન્ટમાં મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલ સાઈબર ફ્રોડના ગુનાની રુ. 87,897ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થયેલ હતી. જેથી પોલીસે ઈસમની પુછતાછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે પાંચેક માસ પહેલાં તા.27 જુલાઈ 2025ના રોજ તેનો મિત્ર પરવેઝ નાસીરખાન પઠાણ (રહે.ચકલાસી વ્હોરવાડ) એ તેના મિત્રને બેંક એકાઉન્ટની જરૂર છે, તારી પાસે બેંક એકાઉન્ટ હોય તો તને એક હજાર વાપરવા અપાવીશ તેમ કહેતા સાહીલે હા પાડી હતી. બંને જણા પાસબુક, એટીએમ લઈને નડિયાદ કેનાલ પાસે આવેલ દ્વારકાધીશ હોટલે ગયા હતા. જ્યાં નડિયાદના દેવ સ્વપ્નીલકુમાર પટેલ (રહે.શ્રીરામ મેન્શન, શિલ્પા સાડી સેન્ટરની ઉપર)એ સાહીલના મોબાઈલમાં કંઈક પ્રોસીજર કરી હતી. બાદ બંને જણા ક્યાંક ગયા હતા. દરમિયાન સાહીલના ગુગલ પેમાં 87,897 રુપિયા જમા થયા હતા. બંનેએ પરત આવીને સાહીલને એક હજાર વાપરવા આપી, બેંક પાસબુક અને એટીએમ પરત આપી દીધું હતું. સાહીલે પાંચસો પરવેઝને આપ્યા હતા. બીજા દિવસે પાસબુકમાં એન્ટ્રી કરાવતા 87 હજારમાંથી 47 હજાર ઓનલાઈન ક્યાંક ટ્રાન્સફર કરી, 40 હજાર એટીએમથી ઉપાડી લીધા હતા. આ મામલે ત્રણેય વિરુદ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો