પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા, સુવિધા અને ટ્રેનોની ગતિ વધારવા માટે નડિયાદ-કપડવંજ-મોડાસા રેલવે લાઇન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડ દ્વારા આ સેક્શનને સંપૂર્ણપણે ફાટકમુક્ત કરવાના ભાગરૂપે પ્રાથમિક તબક્કે 20 રેલવે ક્રોસિંગ (ફાટક)ને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે રૂ. 106.84 કરોડના બજેટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ રેલવે લાઇનમાં આવતા બાયડ રેલવે સ્ટેશનને બી ક્લાસ સ્ટેશનમાં તબદીલ કરવામાં આવનાર છે. સાબરકાંઠા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આ અંગે લોકસભામાં રજૂઆત કરી હતી. જેની ફલશ્રુતિ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અમ્બ્રેલા વર્ક 2025-26 હેઠળ મંજૂર કરાયો હોવાથી તેનો તમામ આર્થિક બોજ પશ્ચિમ રેલવે પોતે ભોગવશે. જેથી ગુજરાત સરકારની તિજોરી પર કોઈ ભારણ નહીં આવે. હાલમાં આ સેક્શનમાં કુલ 53 રેલવે ફાટકો હોવાના કારણે મેમુ ટ્રેનને આખો રૂટ કાપવામાં આશરે 3 કલાક જેટલો સમય લાગે છે. જેથી સ્થાનિક વાહનચાલકોનો સમય બચાવવા અને અકસ્માતોની સંભાવના નહિવત કરવા તબક્કાવાર તમામ ફાટકો બંધ કરાશે. જે અંતર્ગત 27 ફાટકો પર અંડર બ્રિજ બનાવવામાં આવશે. જેમાંથી 20 મંજૂર થઈ ચૂક્યા છે. 6 રેલવે ફાટકોને નજીકના મોટા રેલવે ફાટકો સાથે મર્જ કરાશે અને બાકીના 6 ફાટકો પર રેલવે ઓવર બ્રિજ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનોનું પણ અપગ્રેડેશન કરાશે.

Vadodara: L&Tઅને સ્કોર ફાઉન્ડેશન દ્વારા નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું









