નડિયાદ શહેરમાં એક જ દિવસે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાતા રાજકીય માહોલ ગરમાયો હતો. એક તરફ ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસના સાંસદ અને જેએનયુના પ્રોફોસર અંગોમચા બિમોલ અકોઇજાન સામેના વિદ્યાર્થીનીઓના જાતીય સતામણીના આક્ષેપોને લઇને નડિયાદ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં યોજયા હતા. જયારે બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી પંચની કામગીરી અને મતદારા યાદીની સઘન સુધારણા પ્રક્રિયા સામે લોકશાહી બચાવો માર્ચ યોજી શકિત પ્રદર્શન કર્યુ હતું. નડિયાદ જૂની જિલ્લા પંચાયત કચેરી સામે નડિયાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી જાનવીબેન વ્યાસ , જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હેમલબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો એકત્ર થઇ હતી અને ધરણા કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ તથા જેએનયુના પ્રોફોસર અંગોચના બિમોલ એકોઇજાન સામે વિદ્યાર્થીઓની જાતીય સતામણીના ગંભીર આક્ષેપોના વિરોધમાં અને મહિલાઓની સુરક્ષા , સન્માન તથા ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જયારે નડિયાદ પારસ સર્કલ પાસે બપોરે 2 કલાકે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નડિયાદ વોર્ડનં 12ના સાક્ષર યુવા પ્રજા સેવક હાર્દિક ભટ્ટ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થઇને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો તથા મતદાર યાદી ખાસ સુધારણા પ્રક્રિયા અંગે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. લોકશાહી બચાવો માર્ચ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલી ચૂંટણી સુધારણા પ્રક્રિયા પારદર્શક નથી અને તેનાથી સામાન્ય નાગરિકોના મતાધિકાર સામે જોખમ ઉભુ થયું છે. ઉપરોકત ભાજપ અને કોંગ્રેસના અલગ -અલગ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એકજ દિવસે અને બપોરના સમયે જુદા જુદા મુદ્દોઓને લઇને વિરોધ પ્રદર્શન યોજતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો.
