માતર પંથકમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક કપચી ભરેલ ટ્રક ખાલી કરાતી વખતે તેમાંથી એક મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ કોનો છે, બનાવ હત્યા છે કે આત્મહત્યા કે આકસ્મિક મોત તેને લઈને લોકમુખે અનેક ચર્ચાઓ ચગડોળે ચઢી હતી. જો કે પોલીસ તપાસમાં મૃતક અસ્થિર મગજનો હોવાનું અને આકસ્મિક ટ્રકમાં બેસી ગયો હતો, જેમાં કપચી ભરતા દબાઈ જતા મોતને ભેટયો હોવાનું સામે આવ્યું હતું. માતર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ માતર તાલુકાના લવાલમાં બ્રિજ બનાવવાનું કામકાજ ચાલુ હોય દરમિયાન એક કપચી ભરેલ ટ્રક સાઈટ પર આવી હતી. ટ્રકમાંથી કપચી ખાલી કરાવાઈ રહી હતી દરમિયાન બેઠેલ અવસ્થામાં મૃતદેહ નીકળતા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા.સ્થાનિકોએ બનાવ મામલે માતર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતદેહનો કબજો લઈ ઓળખવિધીના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલે માતર પી.આઈ. દેવરાએ જણાવ્યું હતું કે ઓળખવિધી દરમિયાન મૃતક અમદાવાદના કિશનપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવક 29 વર્ષનો અસ્થિર મગજનો છે, 2017થી યુવાનની બિમારીની દવા ચાલતી હતી. ત્રણેક દિવસ અગાઉ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ગઈકાલે રાત્રે ગળતેશ્વર ક્વોરીમાં ઉભેલ ટ્રકમાં યુવાન બેસી ગયો હતો. સવારે ટ્રકમાં કપચી ભરાઈ જતા યુવાન કપચીમાં દબાઈ ગયો હતો અને મોતને ભેટયો હતો. આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો