નડિયાદ પંથકમાં એક પરિણીત ઈસમ પ્રેમમાં ભાન ભુલી ગયો હતો. પરિણીત પ્રેમીકાએ બોલવાનું બંધ કરતાં કેનાલ પર જઈ સેલ્ફી મોકલીને આપઘાત કરવાની ધમકી આપતો હતો. ગભરાયેલી પ્રેમીકાએ અભયમને કોલ કરતાં અભયમે કાયદાનો પાઠ ભણાવતા પ્રેમીએ માફી માંગીને પ્રેમીકાને હેરાન નહીં કરુ તેવી બાંયધરી આપતા મામલો થાળે પડયો હતો.

નડિયાદ તાલુકામાંથી એક 40 વર્ષીય મહિલાએ અભયમ 181ને કોલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેને એક ઈસમ સામે પ્રેમસંબંધ છે, ઈસમ ઘરે આવીને દારુ પીને ધમાલ કરી ઝઘડો કરે છે, મરવાની ધમકી આપે છે. જેથી નડિયાદ અભયમની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી હતી. મહિલાને સવિસ્તારથી પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેને 20 વર્ષનો એક દિકરો છે. લગ્નના થોડાક જ વર્ષોમાં પતિ સાથે મનમેળ ન થતા તેણે છુટાછેડા લઈ લીધા હતા. અને તેના પિતા સાથે જ રહેતી હતી. અને નોકરી કરીને પોતાનું તથા પુત્રનું જીવન ગુજરાન ચલાવતી હતી. લગ્ન બાદ આટલા વર્ષો સુધી તેનો કોઈ પાત્ર ગમ્યું ન હતું. જો કે છેલ્લા કેટલાક સમયથી તેના પિતાના ઘરે એક ઈસમ અવરજવર કરતો હોઈ તેની સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ પ્રેમીએ એકાદ બે વાર ઘરે આવીને દારુ પીને ધમાલ કરી હતી. જેથી પ્રેમીકાએ 5 - 6 દિવસથી તેની સાથે સંબંધ રાખવાનું બંધ કરી દીધું હતું. પ્રેમીએ કેનાલ પર જઈને સેલ્ફી મોકલી આપઘાત કરવાની ધમકી આપી હતી. પ્રેમીકાએ પ્રેમીનો નંબર બ્લોક કરી દેતા ફરીથી દારુ પીને ઘરે પહોંચી ગયો હતો. અને મને બ્લોક કેમ કર્યો કહી ઝઘડો કરવા લાગ્યો હતો. જે બાદ અભયમે પ્રેમીને સમજાવ્યો હતો. તેનો પણ ઘરસંસાર છે, કોઈ પરસ્ત્રી સાથે સંબંધ ન રાખવા, વ્યસન કરીને ધમાલ ન કરવા સમજ આપી હતી. પ્રેમીકાને પણ સલાહ સુચન આપી પોલીસમાં અરજી કરવા પણ સમજાવ્યા હતા.