ખેડા-આણંદ જિલ્લામાં નોરતા અને દશેરા બાદ હવે દિવાળીના તહેવારોની ઉજવણીનો થનગનાટ લોકોમાં જોવા મળી રહ્યો છે. રોશનીના પર્વ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બંન્ને જિલ્લાના બજારો તહેવારોને લઇને સજી રહ્યા છે. આવતીકાલ શનિવારથી બજારોમાં ફટાકડાના સ્ટોલ ખુલવા જઇ રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારોનો આગામી તા.5 નવેમ્બરે ગુરૂવારે વાઘબારસથી પ્રારંભ થનારો છે. તા. 6 નવેમ્બરે શુક્રવારે ધનતેરસે ભાવો આસમાને પહોંચેલા હોવા છતાં સોના-ચાંદીના સિક્કાની ખરીદી થશે તેવી જ્વેલર્સને આશા છે. છેક લાભપાંચમ અને દેવ દિવાળી સુધી લોકોમાં ઉમંગભેર તમામ તહેવારોની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

શનિવારે તા. 7 નવેમ્બરે કાળી ચૌદશની ઉજવણી કરાશે. કાળી ચૌદશે હનુમાનજીના મંદિરોએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળશે. રવિવારે તા.8 મીએ દિવાળીનું પર્વ ઉજવાશે. દિવાળીએ ધૂમ દારૂખાનું ફૂટવાની અપેક્ષાએ બંન્ને જિલ્લાના બજારોમાં ફટાકડાના સ્ટોલ પણ ખુલી રહ્યા છે. જો કે આ વખતે દારૂખાનાના ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે. આ વખતે દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે તા. 9 નવેમ્બરે સોમવારે પડતર દિવસ છે. મંગળવારે તા. 10 નવેમ્બરે નૂતન વર્ષનો પ્રારંભ થશે. આ સાથે છેક લાભપાંચમ અને દેવ દિવાળી સુધી તહેવારોનો ઉમંગ જોવા મળશે. બંન્ને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર તમામ તહેવારોની ઉજવણી કરવા માટે આતુર બન્યા છે. તા. 6 નવેમ્બરે શુક્રવારે ધનતેરસે લોકો લક્ષ્મીજી-કુબેરની પૂજા કરીને આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા વરસતી રહે તેવી મનોમન પ્રાર્થના કરશે. સામાન્ય નાગરિકો, વેપારીઓ સૌ કોઈ લક્ષ્મીજીને રિઝવવા પ્રયાસો કરશે. શનિવારે તા. 7મીએ કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. કાળી ચૌદશના દિવસે હનુમાન ભક્તો મંદિરોમાં ઉમટી પડશે અને દાદાને તેલનો અભિષેક કરશે. કેટલાક લોકો ભૈરવની પણ પુજા કરતા હોય છે. હનુમાનજીની કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના પણ સૌ કરશે. મંગળવારે તા. 10 નવેમ્બરે નૂતન વર્ષનો પ્રારંભ થશે. લોકો એકબીજાને નવા વર્ષના સાલ મુબારક કહેશે. બુધવારે તા.11 નવેમ્બરે ભાઈબીજ ઉજવાશે. જ્યારે તા.14 નવેમ્બરે શનિવારે લાભપાંચમની ઉજવણી કરાશે. આ દિવસે વેપારીઓ-ધંધાર્થીઓ શુભમુહૂર્તમાં ધંધા-રોજગારની શરૂઆત કરશે. તા. 24 નવેમ્બરે મંગળવારે દેવ દિવાળી ઉજવાશે. તહેવારોની ઉજવણી કરવા માટે જિલ્લાના વતની પરંતુ ધંધા-વેપાર-રોજગાર અર્થે બહારગામ વસેલા લોકો પણ પોતાના માદરે વતન આવવા નીકળી રહ્યા છે. તહેવારોની ઉજવણી કરવા માટે પોતાના વતનમાં આવવા લોકોનો ધસારો શરૂ થયો છે. બસો, ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ પણ થયા છે.