અમદાવાદના ત્રણ ઈસમો કઠલાલના પીઠાઈમાં આવેલ એક અનાજના વેપારીના ગોડાઉને પહોંચી તમે સરકારી અનાજ વેચાતું લેતા હોવાનો વિડીયો અમારી પાસે છે, જે અમે વાઈરલ કરી તમારી બદનામી કરીશું. જો તેમ ન ઈચ્છતા હોય તો 40 હજાર આપી દો કહી માર માર્યો હોવાનો આક્ષેપિત બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસે આ મામલે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધી બેની ધરપકડ કરી છે. કઠલાલ તાલુકાના પીઠાઈમાં રહેતા જાવેદભાઈ મહંમદભાઈ ચુવાણે આ મામલે ફરિયાદ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગામમાં મનીષભાઈ પટેલની ધ્રુવ ટ્રેડર્સ નામની અનાજની દુકાનમાં નોકરી કરે છે. ગઈકાલે તા.8 ઓકટો.2026ના રોજ બપોરના ત્રણેક વાગ્યે દુકાનના ગેટ પાસે એક વાદળી કલરની અમદાવાદ પાર્સિંગની ફોર વ્હીલર કાર આવીને ઉભી રહી હતી. કારમાંથી બે પુરુષો અને એક સ્ત્રીએ આવીને પોતે પત્રકાર હોવાની ઓળખ આપી હતી. અને આજુબાજુના ગામડાના લોકો સરકારી અનાજ ઉઘરાવીને તમારી દુકાનમાં વેચે છે, અમારી પાસે વિડીયો છે, વિડીયો વાઈરલ કરી સરકારી અનાજ વેચાતુ લેતા હોવાના સમાચાર પ્રસિદ્ધ કરી બદનામ કરી ગોડાઉનમાં રેઈડ પડાવીશું તેવી ધમકી આપી હતી. સમાચાર ના છપાવવા હોય તો 40 હજાર આપી દો કહેતા જાવેદભાઈએ મારી પાસે બે હજાર છે, મારા શેઠ મનીષભાઈ સાથે વાત કરું કહી વાત કરતા હતા. દરમિયાન ત્રણેય ઈસમો ગોડાઉનનો વિડીયો ઉતારવા લાગ્યા હતા. વિડીયો ઉતારવાની ના પાડતા બોલાચાલી કરી, તારો શેઠ અમારો ફોન ઉપાડતો નથી, તારે પૈસા આપવા પડશે કહી જાવેદભાઈને જમીન પર પાડી દીધા હતા. અને ખિસ્સામાં રહેલ બે હજાર બળજબરીથી કાઢવાનો પ્રયાસ કરી શરીરે લાતો મારવા લાગ્યા હતા. બુમાબમ થતા ગોડાઉનમાં રહેલ મજુરોએ છોડાવ્યો હતો. જે બાદ જાવેદભાઈએ 112ને કોલ કરતાં વાન ત્રણેયને બેસાડીને કઠલાલ પોલીસ સ્ટેશને લઈ આવી હતી. કઠલાલ PIઆર.કે.ગોહિલે જણાવ્યું હતું કે તોડબાજ પત્રકારો પાસે આઈકાર્ડ માંગતા સરકાર તરફથી ઈસ્યુ થયેલ આઈકાર્ડ પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. હાલ સંજય ઈન્દ્રકેશ રાજનારાયણ પાંડે (રહે.શાંતિવન સોસાયટી, ગેરતપુર, જિ.અમદાવાદ મુળ રહે.પ્રયાગરાજ), મધુ રાજારામ કુરીલ (રહે.ગજાનન સોસા., એસ.પી.રીંગ રોડ, અમદાવાદ)ની અટકાયત કરી છે. તથા અંકિત મહેશભાઈ વ્યાસ (રહે.રાધે ગોવિંદ ગેલેક્ષી, નિકોલ, અમદાવાદ)ની અટકાયત કરવાની બાકી છે.
