કપડવંજ તાલુકાના વરાંસી નદીમાં કથિત રીતે માટીનું ગેરકાયદે ખનન થતું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં જેસીબી દ્વારા નદીના પટમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ ટ્રેક્ટરોમાં માટી ભરીને લઈ જવાતી હોવાનું જોવા મળે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વરાશી નદીમાંથી લાંબા સમયથી માટીનું ખનન થઈ રહ્યું છે, છતાં સંબંધિત વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગેરકાયદે ખનન કરનાર તત્વો વધુ બેફામ બન્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નદીમાંથી સતત માટી ઉપાડવામાં આવવાથી પર્યાવરણ પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. સાથે જ નદીના કુદરતી પ્રવાહ અને જળસંચય પર પણ તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ખેડા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ અથવા ગેરકાયદે ખનન સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી છે.
