સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિરમાં દિવ્ય અને ભવ્ય કાર્તિકી સામૈયાનો ભકિતભાવ અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ સમૈયાના પ્રારંભના પ્રથમ દિવસે શ્રીજી પ્રસાદી મહાત્મય કથાના વકતા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરતાં જણાવ્યું હતું કે, આ કથા જીવનની વ્યથા ટાળે છે. ભગવાનના મહિમાની સમજણ કેળવાય તો જીવનની કસર દૂર થાય છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કારતક સુદ નોમના પાવન અવસરે બુધવારથ સામૈયાને દિવ્ય અને ભવ્ય પ્રારંભ થયો છે. સવારે 8 વાગે ગોમતી કિનારે આવેલા નૂતન અક્ષરધામ ખાતેથી બેન્ડવાજા અને ઢોલનગારા સાથે વાજતે ગાજતે વડીલ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયત્રા નિજ મંદિરના કથામંડપ ખાતે પહોંચી હતી.અ.નિ. શ્યામવલ્લભ સ્વામીના સ્મૃતિ મહોત્સવ નિમિતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી આયોજિત આ સમૈયામાં શ્રીજી પ્રસાદી મહાત્મયની કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સમૈયા દરમિયાન કથાના વકતા જ્ઞાનજીવનદાસજી સ્વામી અને તેમના સેવક ઇશ્વરચરણદાસજી સ્વામી હરિભકતોને કથાનું રસપાન કરાવશે . કથાના પ્રથમ દિવસે વકતા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પવિત્રભૂમિ પર ભગવાન શ્રીહરિ અને પરમહંસોએ વિચરણ કર્યું છે.
